રજા આપો હવે દાદા અમારી વાત થઇ પૂરી
                       અમારી વાત થઇ પૂરી....
 
        અધુરી વાત છે તોયે આ મુલાકાત થઇ પૂરી...
                        અમારી વાત થઇ પૂરી...
 
        કર્યા કામણ તમે એવા અમે તારા બની બેઠા
        તમારી પ્રીતમાં ઘાયલ અમે ઘેલા બની બેઠા
        તમે આધાર થઇ બેઠા અમે લાચાર થઇ બેઠા
                         અમારી વાત થઇ પૂરી..... (૧)
 
        તમે સરીતા તણી લહેરો તમે સાગર ઘણો ગહેરો
        તમારા સ્મિતના પુષ્પો અને ઝાકળભીનો ચહેરો
        તમારા મુખ ને જોયું...હવે ફરિયાદ થઇ પૂરી
                         અમારી વાત થઇ પૂરી...... (૨)
 
        સ્મરણ તારું હંમેશા દે,મરણ ટાણે સમાધિ દે
        રહે નિર્લેપતા સુખમાં, અને દુખમાં દિલાસો દે
        ફક્ત જો આટલું આપો અમારી માંગણી પૂરી
                         અમારી વાત થઇ પૂરી..... (3)
 
        "ઉદય" વિનવે છે કર જોડી ફરી આવીશ હું દોડી,
        ઝુકાવી આંખ ને અમથી રજા આપો હવે થોડી,
        જવાનું મન નથી થાતું,અમારી આજ મજબૂરી
                         અમારી વાત થઇ પૂરી...... (૪)
 
        દીવાઓ સાવ બુઝ્યા તેલ ખૂટ્યું,રાત થઇ પૂરી,
        અમારો કંઠ થાક્યો ગાન થંભ્યું વાત થઇ પૂરી,
        અમારી વાત થઇ પૂરી......
 
        તમે મોક્ષે જઈ બેઠા અમે સંસાર લઇ બેઠા...
                          અમારી વાત થઇ પૂરી......
 
        અધુરી વાત થઇ પૂરી મધૂરી વાત થઇ પૂરી
                          અમારી વાત થઇ પૂરી......